ભાગ ૧ : ધર્મ અને આપણે - ફક્ત રાજાને ત્યાં જ બુદ્ધ અને મહાવીર પેદા થઈ શકે
ફક્ત રાજાને ત્યાં જ બુદ્ધ અને મહાવીર પેદા થઈ શકે. ભિખારીઓને ત્યાં બુદ્ધ પેદા ના થાય.
ગરીબોને ત્યાં તીર્થંકર પેદા ના થાય.
બ્રાહ્મણને ત્યાં પણ બુદ્ધ અને મહાવીર પેદા ના થાય.
બુદ્ધ અને મહાવીર પેદા થવાની મૂળભૂત શરત છે "સ્વ વિકાસ માટે સાધન સંસાધનો લખલૂટ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા."
બીજી શરત છે, "ત્યાગ"
જેની પાસે સાધન, સંસાધનો, ભોગવિલાસના સાધનો વિપુલ પ્રમાણમાં હોય તે જ ત્યાગ કરી શકે. અને તેને જે ત્યાગ કહેવાય. જેની પાસે હોય જ નહી તે ત્યાગ શું કરે? જેણે ભોગવ્યું જ નથી, સુખ સુવિધાઓની સરખી કલ્પના સુદ્ધાં નથી કરી શકતો, જેને મોહમાયા શું છે? મોહમાયા કેવી હોય? તેનો અનુભવ નથી, તે મોહમાયાનો ત્યાગ શું કરશે? સિદ્ધાર્થ (સુકિતિ) ગૌતમ પાસે ત્રણ ઋતુના ત્રણ મહેલો, ઉપરાંત બાગો, સ્ત્રીઓ, સુગંધિત દ્રવ્યો, માદક પીણા, સ્વાદિષ્ટ ભોજન અને તમામ સુખસુવિધાઓ હતી. આ બધું વિપુલ માત્રામાં હતું તો તેમનું મન ધરાઈ ગયું અને વૈરાગ્ય જાગ્યો. તમારા ઘરના ફ્રીઝમાં સતત એક વર્ષ સુધી જોઈએ તેટલા ગુલાબ જામુન પડ્યા હોય તો તમને તેના પ્રત્યે કોઈ મોહ રહે? તમે ભિખારી, ગરીબ, મિડલ ક્લાસના બાળકો પાસે શું ત્યાગની અપેક્ષા રાખો? રોજના ૫૦૦ રૂ. કમાતા માણસ માટે એક પાપલેટ ખાવી, ડોમિનોઝમાં એકવાર પિઝા ખાવા, એકવાર આઈ ફોન લેવો, એકવાર તાજમહેલ ફરવા જવું, સપનું હોય. તે કેવી રીતે બુદ્ધ બને? તે કેવી રીતે મહાવીર બને?
ત્રીજી શરત છે. "ધરાઇ જવું." (વૈરાગ જાગવો)
જેને જે વસ્તુ રોજ અને સરળતાથી મળી જતી હોય ઉપરાંત વધતી હોય, બીજા દિવસે નહિ મળે તેવી ચિંતા ના હોય, તેનામાં વૈરાગ જાગે. કોઈ સામાન્ય માણસને રોટલી શાકનું દાન કરવાનું કહો, માતાજીને નાળિયેળ ચડાવવાનું કહો, ૧૦૦ રૂ. દાન આપવાનું કહો તો તે કરી શકે. આટલી તેની કેપેસિટી છે. પણ ઘર, સાધન, સંપત્તિ, દાગીના, જમીન બધું દાન કરવાનું કહો તો? થાય!!? પોતાના ભવિષ્યની ચિંતા, પરિવારના ભવિષ્યની ચિંતા, બાળકોના ભણતરની ચિંતા, વિગેરે છૂટી શકે? પણ જો કોઈ અરબપતિ અથવા રાજા હોય તો સરળતાથી છૂટી શકે. તેને જ સાચા અર્થમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
ચોથી શરત છે "પ્રજ્ઞા પ્રાપ્તિ"
તમે બધું ત્યાગ તો કરી શકો પણ જ્ઞાન પ્રાપ્તિ માટે જે ભટકવું પડે અને પોતાનો નિભાવ કરવો પડે અને સાથે સાથે અલગ અલગ પધ્ધતિઓ, ગુરુઓ, આશ્રમો, શહેરોમાં ભટકવું પડે તેમાં પણ તમારું આર્થિક અને સામાજિક સ્ટેટ્સ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. શું બુદ્ધ અને મહાવીર રાજાના છોકરો ના હોત અને માછીમાર, વાળંદ, વણકર, લુહાર, સુથાર, વિગેરે સામાન્ય કામ કરનાર મા બાપની સંતાન હોત તો તેમની જ્ઞાન માટેની રઝળપાટ આવી હોત? કે તેથીય વધુ અઘરી હોત? આવા સામાન્ય લોકોને શીખવાડે કોણ? જ્ઞાન (શિક્ષણ) આપે કોણ? આશ્રમમાં એન્ટ્રી કોણ આપે?
પાંચમી શરત છે, જે જ્ઞાન મળ્યું છે તેનો પ્રચાર પ્રસાર અને સ્વીકાર.
બુદ્ધ અને મહાવીર જો સામાન્ય લોકોના છોકરા હોત અને પોતાનું જ્ઞાન લોકો સમક્ષ મુક્ત તો શું લોકો તેનો સ્વીકાર કરતા? બ્રાહ્મણો, વાણિયાઓ અને રાજાઓ સ્વીકાર કરતા? અને જો બ્રાહ્મણો, વાણિયાઓ અને રાજાઓ સ્વીકાર ના કરતા તો શું સામાન્ય લોકોના દમ પર બુદ્ધ અને મહાવીરના ઉપદેશોનો ફેલાવો થતો? તેમના ઉપદેશો આજે આપણા સુધી પહોંચતા? બુદ્ધ અને મહાવીરના ઉપદેશો રાજાઓ અને વાણિયાઓની સત્તા અને રૂપિયાના લીધે પ્રસાર પ્રચાર પામ્યા છે. તો અહીં તમારા જ્ઞાનના પ્રચાર પ્રસાર અને સ્વીકાર માટે પણ રાજાની સંતાન હોવું ખૂબ જરૂરી છે.
ટુંકમાં,
ધર્મ, આધ્યાત્મ, આત્મજ્ઞાન, વિગેરે સામાન્ય લોકોનું કામ નથી. રાજાના છોકરા હોવું ફરજિયાત છે. રાજાનો મતલબ રાજ સિંહાસનવાળા રાજા નહીં પણ સાધન સંશાધનો, ભોગવિલાસથી ભરપૂર હોવા હોવા જોઈએ.
કોઈ અન્ય સવાલ ઊભો કરે તે પહેલા બીજી એક કેટેગરી જણાવી દઉં. જે સામાન્ય વર્ગમાંથી આવે છે. અને તે માટે પણ અભાવમાં ના હોવું ફરજિયાત છે. ભિખારી, ગરીબ, સામાન્ય લોકોના સંતાનો ના ચાલે.
જેમ કે, સંતો, ફિલોસોફરો, મહાપુરુષો, વિગેરે.
આ બધા સામાન્ય લોકો વચ્ચે જન્મ્યા પણ અસામાન્ય મા બાપના ઘરમાં પેદા થાય છે, પણ પેલી વાત પાછી યાદ કરાવી દઉં કે તેઓ અભાવમાં પેદા થતા નથી. જીવન ટકાવવા જેટલું તો તેઓ મેળવતા જ હોય છે. કાલે સવારે શું ખાઈશું અને આવતા મહિને રૂપિયા ક્યાંથી આવશે? આ પળોજણથી મુક્ત હોય તેવા મા બાપના સંતાનો સંતો, ફિલોસોફરો, મહાપુરુષો, વિગેરે બને છે.
આ લોકો ઇન્દ્રિયોને કન્ટ્રોલ કરીને, મનને જીતીને, વાંચન, ચિંતન, મનન દ્વારા સામાજિક, રાજકીય, ધાર્મિક ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે.
સંત રોહીદાસ,
સંત કબીર,
ડૉ. બાબાસાહેબ આંબેડકર,
કાર્લ માર્કસ,
લેનિન,
આદિ શંકરાચાર્ય,
ઓશો,
વિચારકો,
વિગેરે... આ કેટેગરીમાં આવે છે.
આ તમામ પેટથી પીડિત નોહતા, તેમને સંતોષ થાય તેટલું તેમના મા બાપ કમાઈ લેતા હતા. શિક્ષણ પણ સારું મળ્યું એટલે તેમનું ધ્યાન પેટ સિવાયની અન્ય બાબતો, લોકોની તકલીફો તરફ ગયું. પણ બુદ્ધ અને મહાવીર જેવી ઊંચાઈઓ તો આમાંથી કોઈ પ્રાપ્ત કરી શક્યું નહીં કે કરી શકે પણ નહી. આવા લોકો બુદ્ધ, મહાવીર જેવાઓના અનુયાયીઓ બને છે. આવા લોકોનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સ્વતંત્ર નહી પણ અન્યો આધારિત હોય છે. તમે જો બરાબર નોંધ્યું હોય તો આ સંતો, મહાપુરુષોના મા બાપે તેમને અભાવમાં નથી જીવવા દીધા. તેમના સમયગાળામાં તેમને સારામાં સારા સાધન, સંસાધન, શિક્ષણ આપ્યું છે. દા. ત. બાબાસાહેબ. જ્યારે મેટ્રિક પાસ કર્યું ત્યારે સમગ્ર મહાર સમાજની સ્થિતિ સાથે સરખાવો. તેઓ મહારોમાં સૌથી પહેલા મેટ્રિક પાસ હતા. તો આ શિક્ષણની પ્રાથમિક શરત તેમના પિતાજીએ પૂરી કરી આપી હતી. જોતિરાવ ફૂલે સારી એવી જમીન હતી ઉપરાંત સરકારી કોન્ટ્રેકટ દ્વારા રૂપિયા મેળવી છોકરીઓ માટે શાળાઓ ચલાવતા હતા. પેરિયાર પણ ખૂબ મોટા જમીન માલિક અને મોટા વેપારીના પુત્ર હતા.
આને હજી વધારે સરળતાથી સમજવું હોય તો આ પ્રમાણે સમજો. બુદ્ધ અને મહાવીર બનવા પ્રાથમિક જરૂરિયાતો નીચે પ્રમાણે છે.
૧) પેટની (ભોજન)
૨) છતની (મકાન)
૩) રૂપિયા (કામ, ધંધો)
૪) શિક્ષણ (જે તે વિષયનું)
૫) કીર્તિ (જન્મ સાથે જ લોકોમાં પ્રતિષ્ઠા હોવી)
૬) ભોગવિલાસ (પોતાની જરૂરિયાત કરતા વધુ સાધન સંપતિ હોવા)
૭) ઉપરના તમામની અતિશયોક્તિ અને સરળતાથી ઉપલબ્ધિ.
જન્મ સાથે જ આ સાત બાબતો જેને મળે છે, તેની બુદ્ધ, મહાવીર અને તેમના જેવા અન્ય ધર્મ સ્થાપક બનવાની સંભાવનાઓ પ્રબળ બને છે. એટલા માટે રાજાના છોકરા હોવું ખૂબ જરૂરી છે.
👉 બ્રાહ્મણોને ત્યાં પણ બુદ્ધ અને મહાવીર પેદા ના થાય.
મહાયાની ગ્રંથોમાં ૨૯ માં બુદ્ધ "મૈત્રેયી બુદ્ધ" માટેની સંસ્કૃતમાં લખાયેલ ભવિષ્યવાણી ખોટી છે. બુદ્ધ, મહાવીરના ઉપદેશો વર્તમાનમાં જીવવા બાબતે છે, ભવિષ્ય બાબતે બુદ્ધે કાંઈ નથી કહ્યું. તો આવી ભવિષ્યવાણી કોણે ઉમેરી હશે? તે તમે પણ અંદાજ લગાવી શકો છો.
બ્રાહ્મણોને ત્યાં લખલૂંટ જ્ઞાન મળી રહે પણ સાધન સંપત્તિનું શું? ત્યાગનું શું? બુદ્ધ અને મહાવીર પેદા થવા માટેનું વાતાવરણ ફકત રાજાઓની સંતાનો પાસે છે. બ્રાહ્મણો પાસે નથી. આ બાબતે હું એક અલગથી આર્ટિકલ કરીશ. પણ હાલ પૂરતું, ટુંકમાં, એક લીટીમાં કહું તો, "બુદ્ધ અને મહાવીરે તેમની બુદ્ધિનો ઉપયોગ લોક કલ્યાણ માટે કર્યો હતો. બ્રાહ્મણો પોતાની બુદ્ધિનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરી શકે તેમ નથી. એકલી બુદ્ધિ સદાચાર લાવતી નથી. સદાચાર અને લોક કલ્યાણ માટે બીજા પણ ઘણા પરિબળો જોઈએ. જે બ્રાહ્મણો પાસે નથી."
એટલા માટે જ આધ્યાત્મના માર્ગ પર ત્યાગનું મહત્વ છે અને ત્યાગ માટે લખલૂંટ સાધન સંપત્તિ હોવા જરૂરી છે. જે ફક્ત રાજાઓની સંતાનો પાસે હોય છે.
પાંચ આર્ટિકલની સિરીઝ કરીએ છીએ. તમે પાંચેવ આર્ટિકલ વાંચજો પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચજો. તમારા અન્ય કોઈ સવાલ હોય તો કૉમેન્ટમાં આપજો. તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું.
- કૌશિક શરૂઆત
નોંધ : ધર્મ પ્રભાવશાળી, સત્તાધારી, સંપત્તિધારી લોકો માટે છે. સામાન્ય, ગરીબ , અભાવમાં જીવતા લોકોએ ધર્મના ચક્કરમાં નહી પડવાનું. પ્રભાવશાળી, સત્તાધારી, સંપત્તિધારી લોકો જે નિયમો બનાવે તેને ફોલો કરવાનું. આ બીજા આર્ટિકલનો વિષય છે.
👉 ભગવાન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેના ૧૯૦ થી વધારે પુસ્તકો ખરીદવા માટેની લિંક,
https://sharuaatbookstore.com/product-category/religion/bauddha/
👉 ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશેના પુસ્તકો ખરીદવાની લિંક,
શરૂઆત બુકસ્ટોર
8141191311
