૧૧ વર્ષના જાહેર જીવનમાં મે જોયું અને અનુભવ્યું છે કે,
ખેડૂત તે કોઈ કોમ નથી.
ખેડૂત તે કોઈ જાતિ નથી.
ખેડૂત તે કોઈ વર્ગ પણ નથી.
ચુંટણી સમયે કોઈ વ્યક્તિ ખેડૂત બનીને વોટ કરતો નથી. ગામડાઓ જાતિ અને જાતિવાદથી ખદબદે છે. ખેડૂતો ચુંટણી સમયે ખેડૂત રહી શકતા નથી, જાતી બની જાય છે. ગુજરાતમા ખેડૂતોની કોઈ વોટિંગ પેટર્ન નથી. ગુજરાતમાં જાતિની વોટિંગ પેટર્ન છે.
ખેડૂતો એટલા ભોળા કહો કે હોંશિયાર કહો, પાર્ટી જોયા વગર તેમની જાતિના લોકોને વોટ આપે છે. ખેડૂતો માટે પાર્ટી ગૌણ છે.
ભારતમાં ગરીબ ક્યાંક ક્યાંક એક વર્ગ છે પણ ખેડૂત હજી પણ એક વર્ગ બનવા તૈયાર નથી. ખેડૂત પોતે “ખેડૂત જાતિ” બનવા તૈયાર નથી.
એટલે ખેડૂત માટે કાંઈ લખવું, બોલવું કે આકલન કરવું મુશ્કેલ છે.
AMPC પર કબજો જમાવવામાં જાતિ છે.
કૃષિ લોનમાફીમાં અમુક જાતિ છે.
મોટી મોટી સબસિડી મેળવતા ખેડૂતોની પણ અમુક જાતિ છે.
ખેડૂત આગેવાનોની અમુક જાતિ છે.
ખેડૂત આગેવાનોના સપોર્ટરની અમુક જાતિ છે.
પાર્ટીઓમાં અમુક જાતિ જોઈને ખેડૂત આગેવાન બનાવાય છે, આગળ કરાય છે.
નાના ખેડૂતોની અમુક જાતિ છે.
મોટા ખેડૂતોની અમુક જાતિ છે.
ખેતમજૂરોની પણ અમુક જાતિ છે.
બીજા ખેડૂતની જમીન પચાવી પાડનાર ખેડૂતની પણ અમુક જાતિ છે.
સરકાર તરફથી જમીન ફાળવી હોય પણ કબ્જા ના આપ્યા હોય તેમાં પણ અમુક જાતિ છે.
એટલે કે, દરેક જગ્યાએ ખેડૂતની જાતિના આધારે બધું નક્કી થાય છે. અને મોટેભાગે ખેડૂત પોતે આ નક્કી કરે છે. સરકાર કે રાજકારણ નહિ. એટલે જ ખેડૂતને મારો, ફૂટો કે પંપાળો, પ્રેમ કરો ખેડૂત વર્ગના લોકો ચુંટણી પરિણામોમાં કોઈ ફરક પાડી શકતા નથી.
દા.ત.
૧) પચાવી પાડેલી, કબ્જા નહિ સોંપેલા જમીનોના કબ્જા અપાવવામાં દલિત આગેવાનો જોવા મળશે.
૨) APMC ના વહીવટ કે અન્ય પ્રશ્નો હોય તો પાટીદાર જાતિ અથવા ઉચ્ચ ઓબીસી વર્ગના જાતિના આગેવાન જોવા મળશે.
૩) ખેડૂતોના પ્રશ્નો પર જાહેરમાં લડતા આગેવાનોમાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના ઓબીસી જાતિના આગેવાનો જોવા મળશે.
૪) જે તે સમાજના ખેડૂત નેતાની આસપાસનું વર્તુળ, તેમના સંગઠનમાં જે તે જાતિના લોકોનું અથવા તેની સમકક્ષ જાતિઓના લોકો જોવા મળશે.
૫) જાતિનું સમર્થન એટલું જોરદાર મળે છે કે બિનખેડૂત પણ પોતાની જાતિના ખેડૂત આગેવાનના સમર્થનમાં ઉતરી આવે છે.
6) તમામ જાતિના લોકો ખેડૂત છે પણ દલિત, આદિવાસી અને ઓબીસીમાં અતિ પછાત જાતિઓના આગેવાનો જોવા નહિ મળે અને હશે તોપણ અપવાદરૂપે. ગુજરાતનો મોટો ખેડૂત નેતા કહેવાય તેવો નહિ. કારણ કે એની જાતિના લોકોની સંખ્યા મોટી નથી અથવા તે જાતિગત માળખામાં નીચલી જાતિ ગણાય છે માટે.
ધારો કે,
કોઈ ઊંચી અથવા મધ્યમ ઊંચી જાતિનો ખેડૂત આગેવાન પોતાની જાતિ છોડી તમામ ખેડૂતો માટે કામ કરે, તમામ જાતિના લોકોને સંગઠનમાં અગત્યના હોદ્દાઓ આપે, તોપણ તમામ જાતિના ખેડૂતો તેને સપોર્ટ નહિ કરે અને પોતાની જાતિમાંથી જે સમર્થન મફતમાં મળી શકતું હતું, તે સમર્થન પણ ગુમાવશે.
ટૂંકમાં,
તમામ જગ્યાએ દરેક ખેડૂતની પોતાની એક જાતિ છે પણ ખેડૂત પોતે એક “ખેડૂત જાતિ” કે “ખડૂત વર્ગ” કે “ખેડૂત કોમ” બની શકતો નથી. અને એટલે જ આટઆટલી જાતિઓમાં વિભાજીત ખેડૂતનું શોષણ કરવું સરળ છે. તેને ખેડૂત તરીકે મુલવવો કે ખેડૂત તરીકે વોટબેંક ગણવું અઘરું છે.
એટલે એવું નથી કે મને ખેડૂત ગમતા નથી. પણ “ખેડૂત તરીકે કોઈ ચોક્કસ વર્તન ખેડૂતો કરતા નથી” એટલે તેમનું ખેડૂત તરીકે મૂલ્યાંકન કરી કાંઈ લખવું, બોલવું, આંકલન કરવું મારા માટે શક્ય નથી.
– કૌશિક શરૂઆત
નોંધ : મારી વાતને નકારતા પહેલા તમે જાતે ચકાસી જોજો. જમીન પર કામ કરતા, ખેડૂત આગેવાનો, અને રાજકીય વિશેષજ્ઞોને પૂછી જોજો.
ખેડૂત આગેવાનોના, AMPC પર કબ્જો જમાવનાર લોકોના નામનું લિસ્ટ બનાવજો અને ઉપરનું લખાણ સાચું ના નીકળે તો મને કહેજો.

Leave a Reply